એચપીવી વેક્સિન (HPV Vaccine) – સર્વાઇકલ કેન્સરથી બચાવનું સૌથી અસરકારક હથિયાર
આજે ભારતમાં મહિલાઓમાં થતા કેન્સરમાં ''સર્વાઇકલ કેન્સર'' (ગરભાશયના મુખનું કેન્સર) બીજા નંબરનું સૌથી વધુ જોવા મળતું કેન્સર છે. દર વર્ષે લગભગ ૧,૨૩,૦૦૦થી વધુ નવા કેસ નોંધાય છે અને દુઃખની વાત એ છે કે આમાંથી અડધાથી વધુ મહિલાઓનું મોત થાય છે અને સારા સમાચાર એ છે કે આ કેન્સરને ૯૦% સુધી રોકી શકાય છે– અને તેનું સૌથી મોટું હથિયાર છે HPV વેક્સિન.
HPV એટલે શું?
HPV એટલે Human Papillomavirus. આ એક વાયરસ છે જે મુખ્યત્વે જાતીય સંબંધ દ્વારા ફેલાય છે. ૨૦૦થી વધુ પ્રકારના HPV છે, પણ તેમાંથી HPV-16 અને HPV-18 આ પ્રકારો સર્વાઇકલ કેન્સરના ૭૦-૭૫% કેસ માટે જવાબદાર છે. આ ઉપરાંત આ વાયરસ ગળા, મુખ, ગુદા વગેરેનું કેન્સર અને જનનાંગોમાં ચાંદા (genital warts) પણ કરી શકે છે.
HPV વેક્સિન કેવી રીતે કામ કરે છે?
HPV વેક્સિન શરીરમાં વાયરસ સામે એન્ટિબોડી બનાવે છે જેથી વાયરસ શરીરમાં પ્રવેશે તો પણ તે ચેપ લગાવી શકે નહીં. આ વેક્સિન કેન્સરનો ઈલાજ નથી, પણ કેન્સર થતો અટકાવે છે. એટલે જ તેને જાતીય સંબંધ શરૂ થાય તે પહેલાં જ આપવી જરૂરી છે.
ભારતમાં ઉપલબ્ધ HPV વેક્સિન
૧. Gardasil 9 – ૯ પ્રકારના HPV સામે રક્ષણ (સૌથી વધુ અસરકારક)
૨. Cervarix – મુખ્યત્વે HPV-16 અને 18 સામે
૩. ભારતીય વેક્સિન – Cervavac (Serum Institute of India) – ખૂબ જ સસ્તી અને અસરકારક
કોને અને ક્યારે આપવી જોઈએ?
- આદર્શ ઉંમર: ૯ થી ૧૪ વર્ષ ની છોકરીઓ અને છોકરાઓ (બંનેને!)
- મહત્તમ ઉંમર: ૪૫ વર્ષ સુધી આપી શકાય
- ૧૫ વર્ષથી નાની ઉંમરે: માત્ર ૨ ડોઝ (૦ અને ૬-૧૨ મહિના)
- ૧૫ વર્ષથી મોટી ઉંમરે: ૩ ડોઝ (૦, ૧-૨ મહિના, ૬ મહિના)
છોકરાઓને પણ વેક્સિન આપવી જોઈએ?
હા! કારણ કે:
- છોકરાઓ પણ HPV ફેલાવી શકે છે
- તેમને ગુદા અને ગળાનું કેન્સર થઈ શકે છે
- છોકરાઓને વેક્સિન આપવાથી સમગ્ર સમાજમાં વાયરસનો ફેલાવો ઘટે છે (Herd Immunity)
અંતમાં…
જો તમારી દીકરી કે દીકરો ૯-૧૪ વર્ષનો છે, તો આજે જ નજીકના ડોક્ટર કે હોસ્પિટલમાં HPV વેક્સિન વિશે વાત કરો. એક નાનકડી વેક્સિન તમારા બાળકનું આખું જીવન બચાવી શકે છે.
સર્વાઇકલ કેન્સરને હરાવવા માટે ત્રણ મહત્વના પગલાં:
1. HPV વેક્સિન
2. નિયમિત પેપ સ્મિયર/HPV ટેસ્ટ (૩૦ વર્ષ પછી)
3. સુરક્ષિત જાતીય વર્તન
આ માહિતી શેર કરો અને તમારી આસપાસની દરેક છોકરીને કેન્સરમુક્ત જીવન આપવામાં મદદ કરો.
No comments:
Post a Comment